1 Timothy 3

1જો કોઈ માણસ અધ્યક્ષપદના હોદ્દાની અપેક્ષા રાખે છે, તો તે ઉત્તમ કાર્ય કરવાની ઇચ્છા રાખે છે. 2અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્ત્રીનો પતિ, સાવધાન, સંયમી, વ્યવસ્થિત, આતિથ્ય કરનાર, શીખવી શકે એવો; 3મદ્યપાન કરનાર નહિ, મારનાર નહિ; પણ સહનશીલ, કજિયા કરનાર નહિ; દ્રવ્યલોભી નહિ;

4પણ પોતાના કુટુંબને સારી રીતે ચલાવનાર, પોતાનાં છોકરાંને સર્વ ગંભીરપણાથી આધીન રાખનાર, એવો હોવો જોઈએ. 5(કેમ કે જો કોઈ પોતાના કુટુંબને યોગ્ય રીતે ચલાવી શકે નહિ, તો તે ઈશ્વરની વિશ્વાસી સંગતની સંભાળ કેવી રીતે રાખશે?)

6બિન અનુભવી નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે. 7વળી જરૂરી છે કે, બહારના માણસોમાં એની છાપ સારી હોય, એ સારુ કે તે નિંદાપાત્ર ન થાય, તથા શેતાનના ફાંદામાં ન ફસાય.

8એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર, એકવચની, પીનાર નહિ, હલકા લાભના લોભી નહિ; 9વિશ્વાસી [ધર્મનો] મર્મ શુદ્ધ અંતઃકરણથી માનનાર હોવા જોઈએ. 10તેઓ પહેલાં પરખાયેલા હોવા જોઈએ; પછી જો નિર્દોષ માલૂમ પડે તો તેઓ સેવકનું કામ કરે.

11એ જ પ્રમાણે સેવિકાઓ ગંભીર, નિંદાખોર નહિ, સંયમી, સર્વ વાતમાં વિશ્વાસુ હોવી જોઈએ. 12વળી સેવક એક જ સ્ત્રીનો પતિ, પોતાનાં બાળકોને તથા કુટુંબને યોગ્ય માર્ગે ચલાવનાર હોવો જોઈએ. 13કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય, તેઓ સારી પદવી પ્રાપ્ત કરે છે; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં ઘણી હિંમત મેળવે છે.

14જો કે હું તારી પાસે વહેલો આવવાની આશા રાખું છું; તો પણ તને આ વાતો લખું છું; 15જેથી જો મને આવતાં વિલંબ થાય, તો તમારે ઈશ્વરના ઘરમાં આવતાં કેવી રીતે વર્તવું, એ તમારા જાણવામાં આવે; એ ઘર તો જીવતા ઈશ્વરની વિશ્વાસી સંગત છે, સત્યનો સ્તંભ તથા આધાર છે.

બેશક સત્યધર્મનો મર્મ મોટો છે; એટલે કે ઈસુ ખ્રિસ્ત મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના દર્શનમાં આવ્યા, બિનયહૂદીઓમાં તેમની વાત પ્રગટ થઈ, જગતમાં તેમના પર વિશ્વાસ કરવામાં આવ્યો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.

16

Copyright information for GujULB